સંસ્કૃતિ અને રિવાજ પ્રમાણે બાળ ઘનશ્યામને ત્રીજું વર્ષ બેઠું એટલે પિતા ધર્મદેવે જેઠ વદ પાંચમના શુભ દિને સારું મુહૂર્ત જોઈ ઘનશ્યામના બાળ મોવાળા ઉતરાવવા ઝમઈ વાણંદને પોતાને ત્યાં બોલાવ્યો. બાળ પ્રભુ ના બાળ મોવળા ઉતારવા કહ્યું એથી વાણંદ પોતાની પેટી લઈને હરખથી ધર્મદેવને ઘેર આવ્યો. રાહ જોઈ રહેલાં ભક્તિમાતા ઘનશ્યામને ખોળામાં લઈ વાણંદ સામે બેઠા.
ઝમઈએ પ્રથમ કાતરથી ઘનશ્યામજીના લાંબા વાળ કાપી નાખ્યા. પછી ગરમ પાણીથી મસ્તક પલાળ્યું ને અસ્તરો હાથમાં લઈ એણે જ્યાં એક લસરકો માર્યો ત્યાંતો ઝમઈને ઘનશ્યમાજી દેખાતાં જ બંધ થઈ ગયા ને હાથમાં અસ્તરા સાથે એ તો પૂતળાની જેમ સ્થિર થઈ ગયો. આથી માતા બોલ્યાં, ‘એલા, આમ સ્થિર કેમ થઈ ગયો ? મંડને વતું કરવા ! વાટ કોની જુએ છે ?’
આ સાંભળી આંભો બનેલો ઝમઈ બોલ્યો, ‘મા, હું હજામત કોની કરું ? મને ઘનશ્યામ બાબુ દેખાતા નથી ! તમારા ખોળામાંથી ક્યાં જતા રહ્યા ?’