માતાએ પોતાની સન્મુખ માનવરૂપમાં પ્રભુને જોયાં. ત્યાં તો પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટ્યા અને એ શીતળ શાંત તેજમાં માતાની આંખો અંજાઈ ગઈ. થોડીવાર બાદ એ સૌમ્ય તેજની વચ્ચે શ્યામસુંદર શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયાં. સુંદર સોનેરી વસ્ત્રો પહેર્યાં છે. હાથમાં રૂડી રૂપાળી બંસરી છે. મસ્તક ઉપર મોર પ્રગટ અને કાનમાં કુંડળ ઝળહળે છે. મનોહર મુખડું, નમણી નાસિકા, અણિયાળી આંખો, પ્રસન્ન વદન ને મંદમંદ હાસ્ય જોઈને માતા અતિ આનંદ પામ્યાં. ખુદ શ્રીકૃષ્ણ નારાયણ જ પોતાના પુત્ર બનીને આવ્યા છે એવું જાણી માતાના અંતરમાં અદકેરો આનંદ ઊભરાયો. બે હાથ જોડી પ્રેમવિભોરભાવે માતાએ સ્તુતિ કરવા માંડી.
શિશુરૂપે બાલકૃષ્ણે માતાની પ્રેમભરી સ્તુતિ સાંભળી. પ્રસન્ન થઈને બોલ્યા, ‘માતા હવે કોઈ જાતની ચિંતા કરશોમા. અસુરોએ આપેલ ત્રાસથી અકળાઈ જઈને તમે, મારા પિતા અને ઋષિઓએ વૃંદાવનમાં મારી આરાધના કરી ત્યારે દર્શન દઈને મેં આપેલ વચનની તમને યાદી આપવા મારા શ્રીકૃષ્ણ સ્વરૂપનું આજે આ દર્શન કરાવ્યું છે.’
શીતળ તેજનો ઝળહળાટ દેખીને ધર્મદેવ પણ ત્યાં આવી પહોંચ્યા. જેનું પોતે સતત ચિંતવન કરે છે એ જ પોતાના આરાધ્યઈષ્ટદેવ શ્રીકૃષ્ણ પરમાત્માને પોતાને ઘેર દિવ્ય બાળક રૂપે નિહાળ્યા ત્યારે વૃંદાવનમાં આપેલ વચનની સ્મૃતિ થઈ આવતાં હ્યદયમાં અનહદ આનંદ ઊભરાયો. ગાત્રો પુલકિત થયાં. અંતરમાં ધન્યતા અનુભવાણી કે હવે દુઃખનો અંત આવ્યો છે અને સુખનો સુરજ ઉદય થઈ ચૂક્યો છે.
પ્રભુ પ્રગટ થવાથી ચોમેર હર્ષ અને ઉલ્લાસનું મોજું પ્રસરી ગયું. નભમંડળમાં દેવોનું દિવ્ય સંગીત ગૂંજી ઉઠયું ને ભૂમંડળમાં એના પડઘા સંભળાયા. યક્ષો, ગંધર્વો અને કિન્નરો વિવિધ વાજિંત્રો વગાડીને નાચગાન કરવા લાગ્યા. આકાશમાંથી નંદનવનાં પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. યજ્ઞકુંડોમાં રહેલ અગ્નિ નિર્ધૂમ બની પ્રજ્જવલિત થયા. સાધુ સંતોનાં મન નિર્મળ થયાં. સજ્જનોેને શાંતિ થઈ. સવારે છપૈયાવાસીઓને પ્રભુ પ્રગટ થયાની જાણ થતાં સહુ આનંદથી ઊભરાતે હૈયે બાળપ્રભુના દર્શને આવવાં લાગ્યાં. ધર્મદેવનું ભુવન જાણે તીર્થધામ બની ગયું.