શનિવાર, 15 જુલાઈ, 2023

ગામ વરજાંગ જાળિયાના પ્રેમીભક્ત હીરાભાઈ અને કલુબાઈ એ શ્રીજીમહારાજની મનુષ્યલીલાની કસોટી પાર કરીને તેમને રાજી કરી લીધા..


                *આજનું ચરિત્ર*
        ગામ વરજાંગ જાળિયાના પ્રેમીભક્ત હીરાભાઈ અને કલુબાઈ એ શ્રીજીમહારાજની મનુષ્યલીલાની કસોટી પાર  કરીને તેમને રાજી કરી લીધા..


જય શ્રી સ્વામિનારાયણ.......
        ઉપલેટા પંથકના વરજાંગ જાળિયામાં ગુરૂદેવ રામાનંદ સ્વામી વખતનો સત્સંગ હતો. માથાની પાઘડીના છોગા જેવું આ ગામ જેમા ઘણા સત્સંગીઓ સત્સંગના પાને અમર થયા છે. 
     વિ.સં. ૧૮૭૦માં શ્રીસ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ફરતાં ફરતાં વરજાંગ જાળિયા આવ્યા અને હીરાભાઈને ઘેર ઊતર્યા. શ્રીહરિને જોતાં જ કલુબાઈ તો ખૂબ હરખાતા કહેવા લાગ્યા, ‘અહોહો... આજ તો અમારા આંગણે રૂડો દિ' ઊગ્યો, ધન્યભાગ્ય... ધન્ય... ઘડી. મહારાજ, પધારો... પધારો...'' કહીને કલુબાઈએ તો પલંગ ઢાળી તેના પર ધડકી પાથરીને ઓશિકા બિછાવીને મહારાજને બેસાડયા. 
      હીરાભાઈ તો દુકાન રેઢી મેલીને ખબર પડતા આવી બે હાથ જોડી સામે ઊભતા બોલ્યા, ''હે મહારાજ ! કેટલા દિ' તમારા દર્શન વિના ગયા ? મારું તો ચિત્તડું ઝૂરતું હતું અને આજ તમે પધાર્યા એ ઠીક થયું. હવે જાવાની ઉતાવળ ના કરતા. અમે તમારી ઇચ્છા પ્રમાણે સેવા કરીશું.'' 
      શ્રીહરિ કહે ‘હીરા શેઠ, આજ તો તમારા મનનો સંકલ્પ પૂરો કરવા જ અમે આવ્યા છીએ. અમે હમણાં શરીરે જરાક બિમાર છીએ, તે અહીં આરામ કરવા જ તો ખાસ આવ્યા છીએ. કેટલાંય ઠેકાણે ફર્યા પણ ક્યાંય મન સ્થિર થતું નથી, એટલે અહીં આવ્યા છીએ. ક્યાંય શાંતિ ન ભાળી, અહીં જીવ ઠર્યો છે.'' 
       હીરાશેઠ કહે ‘સારું... સારું... ભલે મહારાજ, ગઢડાની જેમ તમે હવે અહીં જ રહી જાવને ?'' શ્રીહરિ કહે ''હા... હા... અમે અહીં જ રોકાવા આવ્યા છીએને ! અમારે ખાસ આરામ કરવાની જરૂર છે. ઘણાં ગામ ફર્યા, ઘણાં સત્સંગી ભક્તો મળ્યા. અમે આરામ કરવાની ઇચ્છા દર્શાવી ત્યાં તેના મનોભાવ કોચવાતા જોયા ને સૌનો આદરભાવ મોળો પડતો ભાળ્યો, એટલે થયું હવે તો વરજાંગ જાળિયા જઈને જ રહેવું છે. એવો પાકો નિર્ણય કરીને અહીં આવ્યા છીએ.'' 
       હીરાશેઠ કહે “સારું... મહારાજ. અમારા પર તમારી અનેરી કૃપા થઈ. આપની સેવા મળી. અમારી સંપત્તિનો સદુપયોગ થશે તો અમારા કર્મોય બળી જશે.'' કહીને હીરાભાઈએ કલુબાઈ તરફ મોં ફેરવી કહ્યું, ‘જુવો... મહારાજનો એ ઓતરાદાં બારના મોટા ઓરડામાં ઉતારો રાખો. ત્યાં પથારી પાથરજો...'' કહીને હીરાભાઈ દુકાનેથી ધરાક બોલાવવા આવતા તે દુકાને ગયા. 
       શ્રીજીમહારાજનો ઉતારો ગોઠવાયો. થોડા દિવસમાં હરિભક્તોને, સંતોને ખબર પડતાં મહારાજનાં દર્શને સૌ ટાણું-કટાણું જોયા વિના અવિરત આવતા થયા. જે કોઈ આવે તેની આગતા-સ્વાગતામાં કલુબાઈ કંઈ ખામી ન રાખે. દૂધ પીનારાને દૂધ, ટાણાસર રોટલાય જમાડે અને મહારાજે પણ લીલા માંડી. ટાણે-કટાણે જમવાનું માગે. પણ કલુબાઈ શ્રીજીમહારાજ માગે તે તુરંતજ અતિ ભાવથી હાજર કરે. પણ જે કાંઈ ગામમાં ન મળે તેવુંય મહારાજ માગે. તોય હીરાભાઈ તાબડતોબ તેની વ્યવસ્થા કરે. કલુબાઈ તો શીરો, પુરી, ખીર તૈયાર કરે ને મહારાજનો વિચાર બદલે તો તૈયાર થાળેય પાછો હડસેલે અને કહે, ''અમારે હવે ખાવું નથી. લઈ જાવ આ થાળ.'' તો પણ હસતા મુખે કલુબાઈ મહારાજનું મનગમતું કરતા કહે, ''ભલે મહારાજ ! તમને જે ઇચ્છા હોય તે કહેજો. કંઈ સંકોચ રાખો તો મારા સમ છે.'' આમ, કલુબાઈએ તો હેતની દોરીએ મહારાજને બાંધી દીધા. મહામહેનતે તૈયાર કરેલો થાળ મહારાજ ન જમે તો પણ કલુબાઈ પ્રસન્ન ચિત્ત રાખે અને તેને પ્રસાદીનો જાણી પોતે જમી લે. કલુબાઈ અને હીરાભાઈને તો મહારાજનો રાજીપો જ જોઈતો હતો. એથી એ રાત કે દિવસ જોયા વિના, બસ મહારાજ રાજી થાય એટલે બધું જ મળી જાય એમ સમજીને સેવા કરતા. 
     અચાનક એક દિવસ મહારાજે પ્રકરણ ફેરવ્યું. હીરાભાઈ અને ભગુજી પાસે બેઠા હતા ત્યારે કહ્યું, ‘હીરાભાઈ અમને એવો વિચાર સૂઝ્યો છે કે અમે ઘણાં દિવસથી સરખી રીતે નાહ્યા નથી, તો અહીં સ્નાન કરવાની અમારી ઇચ્છા થઈ છે. જો તમારી શ્રદ્ધા હોય તો અમારો સંકલ્પ પૂરો કરો.'' 
હીરાશેઠ હાથ જોડીને બોલ્યા ‘અરેરે... મહારાજ, તમે સખત માંદા છો. ક્યારેક જમો છો ને ક્યારેક જમતા પણ નથી. આ દેહે અશક્તિ વર્તાય છે. જો બહુ પાણીએ પલળશો તો વધુ બિમારી થઈ પડે ને ?'' 
શ્રીહરિ કહે ‘ઈ ચિંતા તમે ન કરો. તમારી શ્રદ્ધા હોય તો અમારું ગમતું કરો. અમે ન્હાતા હોઈએ એ જળનો પ્રવાહ અહીંથી વેતો થઈને ઠેઠ વેણુ નદીમાં ભળે એટલું જળ અમારા ઉપર ઢોળાય એમ અમને નવડાવો.'' 
     હીરાશેઠ અને કલુબાઇ હાથ જોડી બોલ્યા ‘ભલે, મહારાજ ! જેવી તમારી ઇચ્છા.’ એટલું કહી હીરા શેઠે એ જ ઘડીએ ગામના હરિભક્તોના ઘરે ઘરે ફરીને મહારાજની ઇચ્છા દર્શાવી સૌને કહેવા માંડયું, આપણે આંગણે આવો અવસર ફેર નહિ આવે. જગતમાં આપણાં ગામની નામના અમર બની જશે, મહીલા હરિભક્તો સૌ પોતપોતાનાં જે તે કામ મેલીને શ્રીહરિને સ્નાન કરાવવાની સેવામાં હોંશેહોંશે જોડાઈને પુન્ય કમાઈ લ્યો અને અક્ષરધામના ધામીને રાજી કરી લ્યો. આ તો આપણા પૂરવના પુન્ય પ્રગટ થયા છે, શ્રદ્ધાથી આ મહાયજ્ઞમાં તમે જોડાવ.'' આટલાં વેણે તો ગામ આખાને હીરાશેઠે પોરહ ચડાવી દીધો. હજુ તો હીરાશેઠ ઘેર ન પહોંચ્યા. ત્યાં તો બાયું હેલ્યું લઈ હીરાશેઠને ફળિયે પહોંચી ગઈ. 
      હીરાશેઠે આવીને કહ્યું, ''લ્યો મહારાજ ! હાલો લ્યો... અને કલુબાઈને કહ્યું, પાટલા ઢાળો.'' 
‘શેઠ પછવાડેના વાડામાં જ બેસાય એવી વ્યવસ્થા કરો,'' શ્રીહરિએ કહ્યું. અને એના કહ્યા પ્રમાણે ગોઠવણ થઈ. શ્રીહરિ પાટલે બેઠા. પ્રથમ મુહૂર્તમાં જ પાણિયારેથી હેલ્ય લઈને કલુબાઈએ હીરાશેઠના હાથમાં આપીને શ્રીજીમહારાજને માથે જળધારા કરી. તે પછી તો એક પછી એક બધાય લાઈન થઈને હેલ્યું માંડયા લાવવા. ભગુજી અને હીરાશેઠ મહારાજ માથે માંડયા જળધારા કરવા. એનો રેલો નદીના પટમા ચાલે નહી તે કોઈક ભક્ત ઠામ ભરીને પ્રવાહમા પ્રસાદીનુ પાણી રેડી આવી કહ્યું પાણી પ્રવાહમા પોગી ગયું.  
     એ સાંભળીને હીરાશેઠે મહારાજને કહ્યું, ‘મહારાજ, જળનો રેલો નદીમાં ભળી ગયો. લ્યો, હવે વધારે સ્નાન કરવાની ઇચ્છા છે કે ?'' 
     ‘ના... હીરાશેઠ, હવે અમારો સંકલ્પ પૂરો થયો.'' એમ કહીને મહારાજે કોરાં વસ્ત્રથી અંગ લૂછયું ને સ્વસ્થ થયા ને કોરાં વસ્ત્રો ધારણ કરી પલંગે બિરાજ્યા, આમ હીરા શેઠને ઘેર એક મહિનો શ્રીહરિ રહ્યા અને નિત નિત નવી લીલા કરેલી. વિજયાદશમી, શરદપૂર્ણિમા, ધનતેરસ, દિવાળી, અન્નકૂટ વગેરે ઉત્સવો પણ અહીં ગામમાં રહી કરેલા. તે સમયે શેઠના ધર્મપત્ની કલુબાઈની વિશિષ્ટ સેવા હતી. સાથે સાથે રતનબાઈ, પ્રેમબાઈ, કલુબાઈ અને અનેક બહેનોએ શ્રદ્ધાથી સેવા કરી શ્રીહરિને ખૂબ રાજી કરેલા. 

      નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૩ની ૬૦-૬૧મીં પંકિતમાં આ વરજાંગ જાળીયાના મુકતોને ચિંતવતા લખ્યા છે કે…. 

જન રૂડા છે જાળિયામાંઈ, ઠકર હીરો ને નાથોભાઈ..!
સાંગો કાથડ ને નાગાજણ, બાઈ રતનું બાબરિયા સુજાણ..!!
શા અમરશી ઠાર વશરામ, આહિર વાલો ગંગાદાસ નામ..!
બાઈ જીવાં સોની પ્રેમબાઈ, જન એહાદિ જાળિયા માંઈ..!!

- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….
[7/16, 9:10 AM] Rashik Bhagat Jogani: તારીખ : ૧૬-૦૭-૨૦૨૩,સવંત ૨૦૭૯,અષાઢ વદ ૧૪,રવિવાર....
             *આજનું ચરિત્ર*
    નથું બારૈયાના પરિવારના ભક્તોનો ભાવ જાણીને શ્રીજી મહારાજ ઘેંસ, દૂધ ને જમ્યા....
જય સ્વામિનારાયણ...

     એકવખતે શ્રીજીમહારાજ સવારના પહોરમાં ધોરાજીથી ઉપલેટા પધાર્યા ને મોજ નદીમાં દરબારગઢના કોળા હેઠે નાળું બાંધેલું હતું ત્યાં છીપર ઉપર બેસીને નાહ્યા, મુળજીબ્રહ્મચારીજીએ કોરાં વસ્ત્રો ધરાવ્યાં એ ધારણ કરીને શ્રીહરિ ત્યાંથી ગામમાં હરિભક્ત નથું બારૈયાના ઘેર પધાર્યા. જ્યારે શ્રીહરિ પધાર્યા ત્યારે રસોડામાં સુદીબાઇ અને મલાઈબાઇ શીરામણી કરતા હતા. શ્રીહરિએ ઓસરીમાં ઉભા થકા સુદીબાઇને પુછયું જે “શું કરો છો?” ત્યારે સુદીબાઇ રસોડામાં જમતા થકા બોલ્યા જે ‘હે મહારાજ, ઘરકામમાં થી પરવારીને અમે બેઉ સવારની શીરામણી કરીએ છીએ.” તે સુણી ને શ્રીહરિ કહે જે “સુદીબાઇ તો તો અમને પણ બવ ભૂખ લાગી છે. કાંક જમવાનું આપો..!” ત્યારે સુદીબાઇ બોલ્યા જે ‘હે મહારાજ, અમારા બેઉના હાથ તો એંઠા છે, તો તમે જાતે જ તમારા માટે આ ઉટકેલા ઠામણામાં તમારા હાથે જ દહી લઇ લ્યો અને ચુલા ઉપર ઘેંસનું હાંડલું પડ્યું છે, એમાથી તમને જેટલી ખપે એટલી જાતેજ લઇ લયો..!’ ત્યારે મહારાજે કોઠલામાંથી તાંહળીમાં  દહી લીઘું ને હાંડલમાંથી ઘેંસ લીધી ને શ્રીહરિ જમવા મંડ્યા. તે સમે થોડીવાર માં એ બેઉ બાઇઓ જમી રહ્યા ત્યારે સુદીબાઇ ચકો તુંરત જ કઢેલા દૂધ નું દોણું લઇને શ્રીહરિને દૂધ પીરસવા આવ્યા ને શ્રીહરિને પુછયું જે ‘હે મહારાજ, દુધ પીશો? શ્રીહરિએ હાં કહેતા સુદીબાઇ એ શ્રીહરિને તાંહળીમાં દૂધ પીરસતા તર આવતા આંગળી આ્ડી રાખી. એ જોઇને શ્રીહરિ કહે ‘એ તર ને આવવા દયો,’ ત્યારે બાઇ કહે જે ‘તો તો સવારે વલોણું ફરે નહી, કારણ કે ઘી એમા રહેલું છે.’ ત્યારે એમનો એવો ભાવ જાણીને પોતે બોલ્યા કે એમ હોય ભલે રાખો..! એ સુણીને સુદીબાઇએ આડી આંગળીને રાખી ને તાંહળી ભરીને જમવા સારું દીધી.  ભક્તોનો ભાવ જાણીને શ્રીજી મહારાજ પણ ઘેંસ, દૂધ ને સારી પેઠે જમ્યા. જમીને ઢોલીયે બીરાજયા.

-શ્રી હરિચરિત્રચિંતામણીમાંથી…
🙇🏻‍♂️🙏

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...