*આજનું ચરિત્ર-૧*
જય સ્વામિનારાયણ...
ગામ અગતરાઇના મુકતરાજ પર્વતભાઇના દીકરા મેઘજીના વિવાહ કર્યા ત્યારે શ્રીજી મહારાજની સાથે સંતો, કાઠીઓ તથા સત્સંગી ભાઈ-બહેનો સહું કોઇ અગતરાઇ પધાર્યા હતા અને સોળ દિવસ સુધી ત્યાં રોકાયા હતા.
આ સમયે પર્વતભાઇએ શ્રીજીમહારાજને તથા સંતો-હરિભક્તોને ખૂબ જ પ્રેમથી સાચવ્યા હતા. શ્રીહરિ ઘરે પધાર્યા તે જેમ ઘરધણી ઘરે આવ્યા હોય એમ પર્વતભાઇ નચિંત રહેતા. તાજા પરણીને આવેલા મેઘજીના ઘરવાળા બાઇ પણ ભારે સંસ્કારી નીકળ્યા. પૂરેપૂરી સત્સંગની મર્યાદા પાળવાનો એમને હૈયામાં ભારે ઉમંગ. કથાવાર્તા સાંભળવા તો એ સતત આતૂર રહે. જ્યાં બાયું કથા કરતા હોય ત્યાં ઘરના કામ આટોપી જડપથી પહોંચી જાય.
એક તો પર્વતભાઇ નું ઘરનું અતિ ભક્તિવાળું વાતાવરણ અને બાઇની મુમુક્ષુતા, તેથી એમને પણ શ્રીહરિનો રંગ ક્યારે ચડી ગ્યો એની ખબરેય ન રહી. રગરગમાં શ્રીહરિનો મહિમાં પણ એટલો જ વ્યાપી ગયો.
એક દિવસે પર્વતભાઇના આંગણામાં મહારાજ સંતો-ભક્તો સહીત સભા ભરીને બેઠા હતા. શ્રીહરિના મુખેથી વહેતો જ્ઞાનગંગાનો પ્રવાહ પર્વતભાઇ સહીત સહુ સભામાં બેઠેલા અબાલ-વૃદ્ધ ઝીલી રહ્યા હતા. થોડેક આઘેરા બાઇઓની સભામાં બાઇઓ તથા મેઘજીના પત્ની પણ મહારાજના દર્શન કરતાં કરતાં કથા સાંભળી રહ્યા હતા.
એ વખતે પવનની એક લહેરખી આવી. લહેરખીને લીધે થોડી ધુળ તથા રજકણો ઉડયા. એમાંથી એક મોટુ કણું શ્રીજીમહારાજની આંખમાં પડયું. કણું પડવાથી મહારાજને આંખમાં બળતરા થવા લાગી ને આંખમાંથી પાણી પડવા લાગ્યું.
સભામાં બેઠેલામાંથી ઘણાંએ કણું કાઢવા પ્રયત્નો કર્યા પણ કોઇથી કણું નીકળ્યું નહી. જેથી બધા સંતો-ભક્તો બેબાકળા થઇ ગયા.
ત્યાં બહેનોની સભામાંથી મેઘજીભાઇના પત્નિએ કહેડાવ્યું કે, 'મને કણું કાઢતા આવડે છે, જો મહારાજ કહે તો હું કાઢી દઉં.'
વાત શ્રીજીમહારાજને કરી એટલે મહારાજ બહેનોની સભામાં ગયા. બહેનોએ મહારાજને સાંગામાંચીએ બેસાર્યા. મેઘજીભાઇના પત્નિએ બે હાથે મહારાજનું મુખારવિંદ પકડી ધીમે કરીને પોતાથી જીભ વડે કુશળતા પૂર્વક કણું કાઢી આપ્યું.
આંખમાંથી કણું નીકળી જતા શ્રીજીમહારાજને ખૂબ જ રાહત થઇ. મહારાજ પર્વતભાઇના પૂત્રવધૂ ઉપર ખૂબ જ રાજી થયા અને બોલ્યા, "પર્વતભાઇ ! તમારા ઘરમાં સંસ્કારનો વારસો હવે જળવાઇ રહેશે."
આમ, તકની સેવા જોઈને મેઘજીના ઘરવાળા બાઇ માણસે શ્રીહરિનો રાજીપો રળી લીધો.
- નારીરત્નોમાંથી….
🙇🏻♂️🙏