ગુરુવાર, 13 જુલાઈ, 2023

ગામ મોડાસાના ધના ભગત અને લાખાજી....


              *આજનું ચરિત્ર*
      ગામ મોડાસાના ધના ભગત અને લાખાજી....
જય સ્વામિનારાયણ....

      ગુજરાતના અરવલ્લી જીલ્લાના ગામ મોડાસાના ધના ભગતની આ વાત છે. પોતે હતા સાવ કોરા ધાકોડ, નહીં પાછળ ઉલાળ કે ધરાળ. જે કાંઇ દેહ-પોષણ માટે મળે, તે લઇ ભક્તિમાં ડૂબી જાય. આમ દિ' ઉપર દિ' કાઢે. દરમહીને પૂનમ ગઢડા ભરવાનું એનું નીમ એટલે નીમ, એમાં કોઇ દિ' ન ચૂકાય, પંદર દિ' થાય ને ગઢડાનો કેડો પકડી પગલાં માંડવા માંડે. 
નાના હતા ત્યારે એના બાપ દયાળ એને બહુ ટોકતા ને કહેતા કે, "ધના ! જરાક કામમાં ચિત્ત વળગાડ. સગાં-વ્હાલાના વહેવાર હવે શીખ. તારે સાચવવાના છે. અમે નહીં હોઇએ ત્યારે તને વહમું થાશે." 
એની માય કહેતી કે, "ધના ! તું અમારે એકનો એક તે લાડકો. તારા માટે ભગવાનની કેટલીય માનતા કરી. બાધા-આખડી રાખી ત્યારે બહુ વરસે તારું મોંઢું જોવા મળ્યું છે ને તું આમ મોળું વર્તન કર્ય તો અમારો વંશવેલો રે'શે કેમ ? તારો બાપ અને હું તો કાલ્ય કપાસના કાલા ફાટે તેમ મોં ફાડી હાલ્યા જાશું, ત્યારે આ જગતમાં કોઇ સગું તારો હાથ ઝાલશે નહીં. માટે તું ભણ્ય તો તારું સગપણેય કરીએ. અમેય નજરોનજર અમારી લીલી વાડી જોતાં જઇએ, એવી આશાએ ટળવળીએ છીએ." 
ધનોભગત માના માં ને વારતા કહે કે “માં ! લે હવે બોલવું રાખ્ય. જીવ અથરો કર્ય મા. જ્યારે-ત્યારે અણગમતી વાત ન કર્ય. જેનું કોઇ નહીં એનો ભગવાન હોય. મેં તો જનમ ધરીને પાકો નિર્ણય કર્યો છે કે આવો અમૂલખ દેહ મળ્યો છે, જેને દેવતા પામવા ઇચ્છે છે, તો એને આ ફેર એળે ન જવા દેવાય." 
વારંવાર કહેવા છતાં ધનો બાપ દયાળની દરજીની દુકાનથી છેટો રે અને દેવ મંદિર ભાળે, ત્યાં બેસીને હરિનામના નામ જાપ કરવા માંડે. તેને ખાવા-પીવાનુંય ભાન ન રે'. બાપની મોટી ઉંમર થતાં આંખ્યુંની ઝાંખપે રાતના અંધારામાં જ્યાં-ત્યાંથી ગોતીને માંડ ઘરભેગો કરે. ઘરે લાવી સાત ખોટના દીકરાને સમજાવે. આવી ઉપાધિમાં બેય માણસના લોહી બળતા. ઇ બળતરામાં સૂકાઇને છોડિયાં જેવાં થઇ ગયાં હતાં. તે છ મહિનાના ગાળામાં બેયનાં ખોળિયાં ખાલી કરી એમના જીવ હાલ્યા ગયા. 

તોય ધના ભગતે મોડાસામાં બાપની દુકાન સામે જોયું નહીં ને ભક્તિના રંગમાં રંગાઇને જીવ્યે રાખ્યું. એ વખતે મોડાસામાં પ્રગટ પ્રભું શ્રીસ્વામિનારાયણના ગણ્યાગાંઠયા અનુયાયી ના ઘર હતા. તેનો તેને સંગ થયેલો. ભૂખ્યો થાય ત્યારે ગમે ત્યાંથી રોટલો મળી જતો. 

એકવખતે કાલે પૂનમ છે, એમ વિચારતો તે પાદર આવ્યો ત્યારે તેને લાખાજી મળ્યા ને ઊભો રાખ્યો, 'એલા ધના ! જરા થોભ તો !' 
ધના ભગત ઊભા રહ્યા એટલે લાખાજી બોલ્યા, ''એલા ! તું સ્વામિનારાયણને ભગવાન કેમ ગણે છે ? એનામાં એવું તે કયું દૈવત તેં જોયું ! એ મને સમજાવ." 
ધનોભગત કહે “લાખાજી ! ઇ તમને શ્રદ્ધા અને નિષ્ઠા વિના ન સમજાય. સાધુનો સત્સંગ હોય, તો મનની ભ્રમણા ભાંગે. જો તમારે ખરેખર ભાવ હોય તો મનનો ઉદ્વેગ ટાળી એકવાર ભાવથી ગઢડા આવી ભગવાનનાં દર્શન કરો તો સાચું પારખું થાય." 
એ સુણીને લાખોજી બોલ્યા કે “લે ! હાલ્ય. આજ તો હુંય સંકલ્પ કરી નીકળ્યો છું કે ગમે તે થાય, એ વાતની સમજણ પામવી." એમ બોલી એ પણ પણ ધનાભગત હારે હાલી નીકળ્યા. 
રસ્તામાં લાખાજીએ મનોમન સંકલ્પ કર્યો કે, "જો સ્વામિનારાયણ ભગવાન હશે, તો એના પગનાં તળિયે સોળ ચિહ્ન જોવા મળશે, તો સાચું મનાય." 

બન્ને ચાલતા થોડેદિવલે ગઢડે પોગ્યા ને સવારમાં દાદાખાચરના દરબારગઢમાં આવ્યા. એ સમે લીંબતરૂ નીચે સભામાં ઢોલીયે બેસતા થકા શ્રીજીમહારાજ પૂર્વ જનમની વાતો કરતા હતા. આ બેઉ ભાઇબંધની જોડી ને જોતાં જ પ્રભું બોલ્યા, "લ્યો ! આ મોડાસાના લાખોજી ઠાકોર આવ્યા." 
બન્ને બેઠા. લાખોજીના મનમાં થયું, 'માળું મેં કોઇ દિ' સ્વામિનારાયણને જોયા નથી, તેને મળ્યો નથી, તોય એણે મારૂં નામ દઇ બોલાવ્યો.' એ વાતમાં તે વિચારે ચડયા. ત્યાં મહારાજ પાટ ઉપર પડખાવગા થયા અને બેય પગ લાંબા કરી ચરણ દેખાડયા. લાખાજીની આંખો તો ચરણ જોતા જ પહોળી થઇ ગઇ. તેમાં હીરાકણી જેવા ઝગારા મારતાં સોળે ચિહ્નો જોતાં લાખાજીનાં મનનો ભ્રમ ભાંગી ગયો. તૂરત તેણે વર્તમાન ધરી કંઠી પે'રી અને ભક્તિમાં ગળાડૂબ થયા. 

એમણેય ધનાભગત હારે પંદરેક વરસ ગઢડામાં પૂનમ ભરી ને અંતે તેને મહારાજ ધામમાં તેડી ગયા. 
આજેય મોડાસામાં બેય ભક્તોનું સવારમાં ઊઠતાં જ લોકો નામ લઇ આંખ્ય બંધ કરી સ્મરણ કરતાં કહે છે, 'હે ભગવાન ! આ માનવ દેહ મળ્યો છે, તો ધના ભગત અને લાખાજીના જેવી સમજણ દેજે.'

- ‘સત્સંગ સાગર ના મોતી’ લેખમાળામાંથી….
🙇🏻‍♂️🙏

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...