શુક્રવાર, 21 જુલાઈ, 2023

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.
                   *આજનું ચરિત્ર-૧*
       પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....
જય સ્વામિનારાયણ...

    ગામ અગતરાઇના મુકતરાજ પર્વતભાઇના દીકરા મેઘજીના વિવાહ કર્યા ત્યારે શ્રીજી મહારાજની સાથે સંતો, કાઠીઓ તથા સત્સંગી ભાઈ-બહેનો સહું કોઇ અગતરાઇ પધાર્યા હતા અને સોળ દિવસ સુધી ત્યાં રોકાયા હતા. 
આ સમયે પર્વતભાઇએ શ્રીજીમહારાજને તથા સંતો-હરિભક્તોને ખૂબ જ પ્રેમથી સાચવ્યા હતા. શ્રીહરિ ઘરે પધાર્યા તે જેમ ઘરધણી ઘરે આવ્યા હોય એમ પર્વતભાઇ નચિંત રહેતા. તાજા પરણીને આવેલા મેઘજીના ઘરવાળા બાઇ પણ ભારે સંસ્કારી નીકળ્યા. પૂરેપૂરી સત્સંગની મર્યાદા પાળવાનો એમને હૈયામાં ભારે ઉમંગ. કથાવાર્તા સાંભળવા તો એ સતત આતૂર રહે. જ્યાં બાયું કથા કરતા હોય ત્યાં ઘરના કામ આટોપી જડપથી પહોંચી જાય. 

એક તો પર્વતભાઇ નું ઘરનું અતિ ભક્તિવાળું વાતાવરણ અને બાઇની મુમુક્ષુતા, તેથી એમને પણ શ્રીહરિનો રંગ ક્યારે ચડી ગ્યો એની ખબરેય ન રહી. રગરગમાં શ્રીહરિનો મહિમાં પણ એટલો જ વ્યાપી ગયો. 

એક દિવસે પર્વતભાઇના આંગણામાં મહારાજ સંતો-ભક્તો સહીત સભા ભરીને બેઠા હતા. શ્રીહરિના મુખેથી વહેતો જ્ઞાનગંગાનો પ્રવાહ પર્વતભાઇ સહીત સહુ સભામાં બેઠેલા અબાલ-વૃદ્ધ ઝીલી રહ્યા હતા. થોડેક આઘેરા બાઇઓની સભામાં બાઇઓ તથા મેઘજીના પત્ની પણ મહારાજના દર્શન કરતાં કરતાં કથા સાંભળી રહ્યા હતા. 

એ વખતે પવનની એક લહેરખી આવી. લહેરખીને લીધે થોડી ધુળ તથા રજકણો ઉડયા. એમાંથી એક મોટુ કણું શ્રીજીમહારાજની આંખમાં પડયું. કણું પડવાથી મહારાજને આંખમાં બળતરા થવા લાગી ને આંખમાંથી પાણી પડવા લાગ્યું. 
સભામાં બેઠેલામાંથી ઘણાંએ કણું કાઢવા પ્રયત્નો કર્યા પણ કોઇથી કણું નીકળ્યું નહી. જેથી બધા સંતો-ભક્તો બેબાકળા થઇ ગયા. 
ત્યાં બહેનોની સભામાંથી મેઘજીભાઇના પત્નિએ કહેડાવ્યું કે, 'મને કણું કાઢતા આવડે છે, જો મહારાજ કહે તો હું કાઢી દઉં.' 
વાત શ્રીજીમહારાજને કરી એટલે મહારાજ બહેનોની સભામાં ગયા. બહેનોએ મહારાજને સાંગામાંચીએ બેસાર્યા. મેઘજીભાઇના પત્નિએ બે હાથે મહારાજનું મુખારવિંદ પકડી ધીમે કરીને પોતાથી જીભ વડે કુશળતા પૂર્વક કણું કાઢી આપ્યું. 
આંખમાંથી કણું નીકળી જતા શ્રીજીમહારાજને ખૂબ જ રાહત થઇ. મહારાજ પર્વતભાઇના પૂત્રવધૂ ઉપર ખૂબ જ રાજી થયા અને બોલ્યા, "પર્વતભાઇ ! તમારા ઘરમાં સંસ્કારનો વારસો હવે જળવાઇ રહેશે." 
આમ, તકની સેવા જોઈને મેઘજીના ઘરવાળા બાઇ માણસે શ્રીહરિનો રાજીપો રળી લીધો. 

- નારીરત્નોમાંથી….
🙇🏻‍♂️🙏

શનિવાર, 15 જુલાઈ, 2023

ગામ વરજાંગ જાળિયાના પ્રેમીભક્ત હીરાભાઈ અને કલુબાઈ એ શ્રીજીમહારાજની મનુષ્યલીલાની કસોટી પાર કરીને તેમને રાજી કરી લીધા..


                *આજનું ચરિત્ર*
        ગામ વરજાંગ જાળિયાના પ્રેમીભક્ત હીરાભાઈ અને કલુબાઈ એ શ્રીજીમહારાજની મનુષ્યલીલાની કસોટી પાર  કરીને તેમને રાજી કરી લીધા..


જય શ્રી સ્વામિનારાયણ.......
        ઉપલેટા પંથકના વરજાંગ જાળિયામાં ગુરૂદેવ રામાનંદ સ્વામી વખતનો સત્સંગ હતો. માથાની પાઘડીના છોગા જેવું આ ગામ જેમા ઘણા સત્સંગીઓ સત્સંગના પાને અમર થયા છે. 
     વિ.સં. ૧૮૭૦માં શ્રીસ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ફરતાં ફરતાં વરજાંગ જાળિયા આવ્યા અને હીરાભાઈને ઘેર ઊતર્યા. શ્રીહરિને જોતાં જ કલુબાઈ તો ખૂબ હરખાતા કહેવા લાગ્યા, ‘અહોહો... આજ તો અમારા આંગણે રૂડો દિ' ઊગ્યો, ધન્યભાગ્ય... ધન્ય... ઘડી. મહારાજ, પધારો... પધારો...'' કહીને કલુબાઈએ તો પલંગ ઢાળી તેના પર ધડકી પાથરીને ઓશિકા બિછાવીને મહારાજને બેસાડયા. 
      હીરાભાઈ તો દુકાન રેઢી મેલીને ખબર પડતા આવી બે હાથ જોડી સામે ઊભતા બોલ્યા, ''હે મહારાજ ! કેટલા દિ' તમારા દર્શન વિના ગયા ? મારું તો ચિત્તડું ઝૂરતું હતું અને આજ તમે પધાર્યા એ ઠીક થયું. હવે જાવાની ઉતાવળ ના કરતા. અમે તમારી ઇચ્છા પ્રમાણે સેવા કરીશું.'' 
      શ્રીહરિ કહે ‘હીરા શેઠ, આજ તો તમારા મનનો સંકલ્પ પૂરો કરવા જ અમે આવ્યા છીએ. અમે હમણાં શરીરે જરાક બિમાર છીએ, તે અહીં આરામ કરવા જ તો ખાસ આવ્યા છીએ. કેટલાંય ઠેકાણે ફર્યા પણ ક્યાંય મન સ્થિર થતું નથી, એટલે અહીં આવ્યા છીએ. ક્યાંય શાંતિ ન ભાળી, અહીં જીવ ઠર્યો છે.'' 
       હીરાશેઠ કહે ‘સારું... સારું... ભલે મહારાજ, ગઢડાની જેમ તમે હવે અહીં જ રહી જાવને ?'' શ્રીહરિ કહે ''હા... હા... અમે અહીં જ રોકાવા આવ્યા છીએને ! અમારે ખાસ આરામ કરવાની જરૂર છે. ઘણાં ગામ ફર્યા, ઘણાં સત્સંગી ભક્તો મળ્યા. અમે આરામ કરવાની ઇચ્છા દર્શાવી ત્યાં તેના મનોભાવ કોચવાતા જોયા ને સૌનો આદરભાવ મોળો પડતો ભાળ્યો, એટલે થયું હવે તો વરજાંગ જાળિયા જઈને જ રહેવું છે. એવો પાકો નિર્ણય કરીને અહીં આવ્યા છીએ.'' 
       હીરાશેઠ કહે “સારું... મહારાજ. અમારા પર તમારી અનેરી કૃપા થઈ. આપની સેવા મળી. અમારી સંપત્તિનો સદુપયોગ થશે તો અમારા કર્મોય બળી જશે.'' કહીને હીરાભાઈએ કલુબાઈ તરફ મોં ફેરવી કહ્યું, ‘જુવો... મહારાજનો એ ઓતરાદાં બારના મોટા ઓરડામાં ઉતારો રાખો. ત્યાં પથારી પાથરજો...'' કહીને હીરાભાઈ દુકાનેથી ધરાક બોલાવવા આવતા તે દુકાને ગયા. 
       શ્રીજીમહારાજનો ઉતારો ગોઠવાયો. થોડા દિવસમાં હરિભક્તોને, સંતોને ખબર પડતાં મહારાજનાં દર્શને સૌ ટાણું-કટાણું જોયા વિના અવિરત આવતા થયા. જે કોઈ આવે તેની આગતા-સ્વાગતામાં કલુબાઈ કંઈ ખામી ન રાખે. દૂધ પીનારાને દૂધ, ટાણાસર રોટલાય જમાડે અને મહારાજે પણ લીલા માંડી. ટાણે-કટાણે જમવાનું માગે. પણ કલુબાઈ શ્રીજીમહારાજ માગે તે તુરંતજ અતિ ભાવથી હાજર કરે. પણ જે કાંઈ ગામમાં ન મળે તેવુંય મહારાજ માગે. તોય હીરાભાઈ તાબડતોબ તેની વ્યવસ્થા કરે. કલુબાઈ તો શીરો, પુરી, ખીર તૈયાર કરે ને મહારાજનો વિચાર બદલે તો તૈયાર થાળેય પાછો હડસેલે અને કહે, ''અમારે હવે ખાવું નથી. લઈ જાવ આ થાળ.'' તો પણ હસતા મુખે કલુબાઈ મહારાજનું મનગમતું કરતા કહે, ''ભલે મહારાજ ! તમને જે ઇચ્છા હોય તે કહેજો. કંઈ સંકોચ રાખો તો મારા સમ છે.'' આમ, કલુબાઈએ તો હેતની દોરીએ મહારાજને બાંધી દીધા. મહામહેનતે તૈયાર કરેલો થાળ મહારાજ ન જમે તો પણ કલુબાઈ પ્રસન્ન ચિત્ત રાખે અને તેને પ્રસાદીનો જાણી પોતે જમી લે. કલુબાઈ અને હીરાભાઈને તો મહારાજનો રાજીપો જ જોઈતો હતો. એથી એ રાત કે દિવસ જોયા વિના, બસ મહારાજ રાજી થાય એટલે બધું જ મળી જાય એમ સમજીને સેવા કરતા. 
     અચાનક એક દિવસ મહારાજે પ્રકરણ ફેરવ્યું. હીરાભાઈ અને ભગુજી પાસે બેઠા હતા ત્યારે કહ્યું, ‘હીરાભાઈ અમને એવો વિચાર સૂઝ્યો છે કે અમે ઘણાં દિવસથી સરખી રીતે નાહ્યા નથી, તો અહીં સ્નાન કરવાની અમારી ઇચ્છા થઈ છે. જો તમારી શ્રદ્ધા હોય તો અમારો સંકલ્પ પૂરો કરો.'' 
હીરાશેઠ હાથ જોડીને બોલ્યા ‘અરેરે... મહારાજ, તમે સખત માંદા છો. ક્યારેક જમો છો ને ક્યારેક જમતા પણ નથી. આ દેહે અશક્તિ વર્તાય છે. જો બહુ પાણીએ પલળશો તો વધુ બિમારી થઈ પડે ને ?'' 
શ્રીહરિ કહે ‘ઈ ચિંતા તમે ન કરો. તમારી શ્રદ્ધા હોય તો અમારું ગમતું કરો. અમે ન્હાતા હોઈએ એ જળનો પ્રવાહ અહીંથી વેતો થઈને ઠેઠ વેણુ નદીમાં ભળે એટલું જળ અમારા ઉપર ઢોળાય એમ અમને નવડાવો.'' 
     હીરાશેઠ અને કલુબાઇ હાથ જોડી બોલ્યા ‘ભલે, મહારાજ ! જેવી તમારી ઇચ્છા.’ એટલું કહી હીરા શેઠે એ જ ઘડીએ ગામના હરિભક્તોના ઘરે ઘરે ફરીને મહારાજની ઇચ્છા દર્શાવી સૌને કહેવા માંડયું, આપણે આંગણે આવો અવસર ફેર નહિ આવે. જગતમાં આપણાં ગામની નામના અમર બની જશે, મહીલા હરિભક્તો સૌ પોતપોતાનાં જે તે કામ મેલીને શ્રીહરિને સ્નાન કરાવવાની સેવામાં હોંશેહોંશે જોડાઈને પુન્ય કમાઈ લ્યો અને અક્ષરધામના ધામીને રાજી કરી લ્યો. આ તો આપણા પૂરવના પુન્ય પ્રગટ થયા છે, શ્રદ્ધાથી આ મહાયજ્ઞમાં તમે જોડાવ.'' આટલાં વેણે તો ગામ આખાને હીરાશેઠે પોરહ ચડાવી દીધો. હજુ તો હીરાશેઠ ઘેર ન પહોંચ્યા. ત્યાં તો બાયું હેલ્યું લઈ હીરાશેઠને ફળિયે પહોંચી ગઈ. 
      હીરાશેઠે આવીને કહ્યું, ''લ્યો મહારાજ ! હાલો લ્યો... અને કલુબાઈને કહ્યું, પાટલા ઢાળો.'' 
‘શેઠ પછવાડેના વાડામાં જ બેસાય એવી વ્યવસ્થા કરો,'' શ્રીહરિએ કહ્યું. અને એના કહ્યા પ્રમાણે ગોઠવણ થઈ. શ્રીહરિ પાટલે બેઠા. પ્રથમ મુહૂર્તમાં જ પાણિયારેથી હેલ્ય લઈને કલુબાઈએ હીરાશેઠના હાથમાં આપીને શ્રીજીમહારાજને માથે જળધારા કરી. તે પછી તો એક પછી એક બધાય લાઈન થઈને હેલ્યું માંડયા લાવવા. ભગુજી અને હીરાશેઠ મહારાજ માથે માંડયા જળધારા કરવા. એનો રેલો નદીના પટમા ચાલે નહી તે કોઈક ભક્ત ઠામ ભરીને પ્રવાહમા પ્રસાદીનુ પાણી રેડી આવી કહ્યું પાણી પ્રવાહમા પોગી ગયું.  
     એ સાંભળીને હીરાશેઠે મહારાજને કહ્યું, ‘મહારાજ, જળનો રેલો નદીમાં ભળી ગયો. લ્યો, હવે વધારે સ્નાન કરવાની ઇચ્છા છે કે ?'' 
     ‘ના... હીરાશેઠ, હવે અમારો સંકલ્પ પૂરો થયો.'' એમ કહીને મહારાજે કોરાં વસ્ત્રથી અંગ લૂછયું ને સ્વસ્થ થયા ને કોરાં વસ્ત્રો ધારણ કરી પલંગે બિરાજ્યા, આમ હીરા શેઠને ઘેર એક મહિનો શ્રીહરિ રહ્યા અને નિત નિત નવી લીલા કરેલી. વિજયાદશમી, શરદપૂર્ણિમા, ધનતેરસ, દિવાળી, અન્નકૂટ વગેરે ઉત્સવો પણ અહીં ગામમાં રહી કરેલા. તે સમયે શેઠના ધર્મપત્ની કલુબાઈની વિશિષ્ટ સેવા હતી. સાથે સાથે રતનબાઈ, પ્રેમબાઈ, કલુબાઈ અને અનેક બહેનોએ શ્રદ્ધાથી સેવા કરી શ્રીહરિને ખૂબ રાજી કરેલા. 

      નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૩ની ૬૦-૬૧મીં પંકિતમાં આ વરજાંગ જાળીયાના મુકતોને ચિંતવતા લખ્યા છે કે…. 

જન રૂડા છે જાળિયામાંઈ, ઠકર હીરો ને નાથોભાઈ..!
સાંગો કાથડ ને નાગાજણ, બાઈ રતનું બાબરિયા સુજાણ..!!
શા અમરશી ઠાર વશરામ, આહિર વાલો ગંગાદાસ નામ..!
બાઈ જીવાં સોની પ્રેમબાઈ, જન એહાદિ જાળિયા માંઈ..!!

- શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….
[7/16, 9:10 AM] Rashik Bhagat Jogani: તારીખ : ૧૬-૦૭-૨૦૨૩,સવંત ૨૦૭૯,અષાઢ વદ ૧૪,રવિવાર....
             *આજનું ચરિત્ર*
    નથું બારૈયાના પરિવારના ભક્તોનો ભાવ જાણીને શ્રીજી મહારાજ ઘેંસ, દૂધ ને જમ્યા....
જય સ્વામિનારાયણ...

     એકવખતે શ્રીજીમહારાજ સવારના પહોરમાં ધોરાજીથી ઉપલેટા પધાર્યા ને મોજ નદીમાં દરબારગઢના કોળા હેઠે નાળું બાંધેલું હતું ત્યાં છીપર ઉપર બેસીને નાહ્યા, મુળજીબ્રહ્મચારીજીએ કોરાં વસ્ત્રો ધરાવ્યાં એ ધારણ કરીને શ્રીહરિ ત્યાંથી ગામમાં હરિભક્ત નથું બારૈયાના ઘેર પધાર્યા. જ્યારે શ્રીહરિ પધાર્યા ત્યારે રસોડામાં સુદીબાઇ અને મલાઈબાઇ શીરામણી કરતા હતા. શ્રીહરિએ ઓસરીમાં ઉભા થકા સુદીબાઇને પુછયું જે “શું કરો છો?” ત્યારે સુદીબાઇ રસોડામાં જમતા થકા બોલ્યા જે ‘હે મહારાજ, ઘરકામમાં થી પરવારીને અમે બેઉ સવારની શીરામણી કરીએ છીએ.” તે સુણી ને શ્રીહરિ કહે જે “સુદીબાઇ તો તો અમને પણ બવ ભૂખ લાગી છે. કાંક જમવાનું આપો..!” ત્યારે સુદીબાઇ બોલ્યા જે ‘હે મહારાજ, અમારા બેઉના હાથ તો એંઠા છે, તો તમે જાતે જ તમારા માટે આ ઉટકેલા ઠામણામાં તમારા હાથે જ દહી લઇ લ્યો અને ચુલા ઉપર ઘેંસનું હાંડલું પડ્યું છે, એમાથી તમને જેટલી ખપે એટલી જાતેજ લઇ લયો..!’ ત્યારે મહારાજે કોઠલામાંથી તાંહળીમાં  દહી લીઘું ને હાંડલમાંથી ઘેંસ લીધી ને શ્રીહરિ જમવા મંડ્યા. તે સમે થોડીવાર માં એ બેઉ બાઇઓ જમી રહ્યા ત્યારે સુદીબાઇ ચકો તુંરત જ કઢેલા દૂધ નું દોણું લઇને શ્રીહરિને દૂધ પીરસવા આવ્યા ને શ્રીહરિને પુછયું જે ‘હે મહારાજ, દુધ પીશો? શ્રીહરિએ હાં કહેતા સુદીબાઇ એ શ્રીહરિને તાંહળીમાં દૂધ પીરસતા તર આવતા આંગળી આ્ડી રાખી. એ જોઇને શ્રીહરિ કહે ‘એ તર ને આવવા દયો,’ ત્યારે બાઇ કહે જે ‘તો તો સવારે વલોણું ફરે નહી, કારણ કે ઘી એમા રહેલું છે.’ ત્યારે એમનો એવો ભાવ જાણીને પોતે બોલ્યા કે એમ હોય ભલે રાખો..! એ સુણીને સુદીબાઇએ આડી આંગળીને રાખી ને તાંહળી ભરીને જમવા સારું દીધી.  ભક્તોનો ભાવ જાણીને શ્રીજી મહારાજ પણ ઘેંસ, દૂધ ને સારી પેઠે જમ્યા. જમીને ઢોલીયે બીરાજયા.

-શ્રી હરિચરિત્રચિંતામણીમાંથી…
🙇🏻‍♂️🙏

ગુરુવાર, 13 જુલાઈ, 2023

ગામ મોડાસાના ધના ભગત અને લાખાજી....


              *આજનું ચરિત્ર*
      ગામ મોડાસાના ધના ભગત અને લાખાજી....
જય સ્વામિનારાયણ....

      ગુજરાતના અરવલ્લી જીલ્લાના ગામ મોડાસાના ધના ભગતની આ વાત છે. પોતે હતા સાવ કોરા ધાકોડ, નહીં પાછળ ઉલાળ કે ધરાળ. જે કાંઇ દેહ-પોષણ માટે મળે, તે લઇ ભક્તિમાં ડૂબી જાય. આમ દિ' ઉપર દિ' કાઢે. દરમહીને પૂનમ ગઢડા ભરવાનું એનું નીમ એટલે નીમ, એમાં કોઇ દિ' ન ચૂકાય, પંદર દિ' થાય ને ગઢડાનો કેડો પકડી પગલાં માંડવા માંડે. 
નાના હતા ત્યારે એના બાપ દયાળ એને બહુ ટોકતા ને કહેતા કે, "ધના ! જરાક કામમાં ચિત્ત વળગાડ. સગાં-વ્હાલાના વહેવાર હવે શીખ. તારે સાચવવાના છે. અમે નહીં હોઇએ ત્યારે તને વહમું થાશે." 
એની માય કહેતી કે, "ધના ! તું અમારે એકનો એક તે લાડકો. તારા માટે ભગવાનની કેટલીય માનતા કરી. બાધા-આખડી રાખી ત્યારે બહુ વરસે તારું મોંઢું જોવા મળ્યું છે ને તું આમ મોળું વર્તન કર્ય તો અમારો વંશવેલો રે'શે કેમ ? તારો બાપ અને હું તો કાલ્ય કપાસના કાલા ફાટે તેમ મોં ફાડી હાલ્યા જાશું, ત્યારે આ જગતમાં કોઇ સગું તારો હાથ ઝાલશે નહીં. માટે તું ભણ્ય તો તારું સગપણેય કરીએ. અમેય નજરોનજર અમારી લીલી વાડી જોતાં જઇએ, એવી આશાએ ટળવળીએ છીએ." 
ધનોભગત માના માં ને વારતા કહે કે “માં ! લે હવે બોલવું રાખ્ય. જીવ અથરો કર્ય મા. જ્યારે-ત્યારે અણગમતી વાત ન કર્ય. જેનું કોઇ નહીં એનો ભગવાન હોય. મેં તો જનમ ધરીને પાકો નિર્ણય કર્યો છે કે આવો અમૂલખ દેહ મળ્યો છે, જેને દેવતા પામવા ઇચ્છે છે, તો એને આ ફેર એળે ન જવા દેવાય." 
વારંવાર કહેવા છતાં ધનો બાપ દયાળની દરજીની દુકાનથી છેટો રે અને દેવ મંદિર ભાળે, ત્યાં બેસીને હરિનામના નામ જાપ કરવા માંડે. તેને ખાવા-પીવાનુંય ભાન ન રે'. બાપની મોટી ઉંમર થતાં આંખ્યુંની ઝાંખપે રાતના અંધારામાં જ્યાં-ત્યાંથી ગોતીને માંડ ઘરભેગો કરે. ઘરે લાવી સાત ખોટના દીકરાને સમજાવે. આવી ઉપાધિમાં બેય માણસના લોહી બળતા. ઇ બળતરામાં સૂકાઇને છોડિયાં જેવાં થઇ ગયાં હતાં. તે છ મહિનાના ગાળામાં બેયનાં ખોળિયાં ખાલી કરી એમના જીવ હાલ્યા ગયા. 

તોય ધના ભગતે મોડાસામાં બાપની દુકાન સામે જોયું નહીં ને ભક્તિના રંગમાં રંગાઇને જીવ્યે રાખ્યું. એ વખતે મોડાસામાં પ્રગટ પ્રભું શ્રીસ્વામિનારાયણના ગણ્યાગાંઠયા અનુયાયી ના ઘર હતા. તેનો તેને સંગ થયેલો. ભૂખ્યો થાય ત્યારે ગમે ત્યાંથી રોટલો મળી જતો. 

એકવખતે કાલે પૂનમ છે, એમ વિચારતો તે પાદર આવ્યો ત્યારે તેને લાખાજી મળ્યા ને ઊભો રાખ્યો, 'એલા ધના ! જરા થોભ તો !' 
ધના ભગત ઊભા રહ્યા એટલે લાખાજી બોલ્યા, ''એલા ! તું સ્વામિનારાયણને ભગવાન કેમ ગણે છે ? એનામાં એવું તે કયું દૈવત તેં જોયું ! એ મને સમજાવ." 
ધનોભગત કહે “લાખાજી ! ઇ તમને શ્રદ્ધા અને નિષ્ઠા વિના ન સમજાય. સાધુનો સત્સંગ હોય, તો મનની ભ્રમણા ભાંગે. જો તમારે ખરેખર ભાવ હોય તો મનનો ઉદ્વેગ ટાળી એકવાર ભાવથી ગઢડા આવી ભગવાનનાં દર્શન કરો તો સાચું પારખું થાય." 
એ સુણીને લાખોજી બોલ્યા કે “લે ! હાલ્ય. આજ તો હુંય સંકલ્પ કરી નીકળ્યો છું કે ગમે તે થાય, એ વાતની સમજણ પામવી." એમ બોલી એ પણ પણ ધનાભગત હારે હાલી નીકળ્યા. 
રસ્તામાં લાખાજીએ મનોમન સંકલ્પ કર્યો કે, "જો સ્વામિનારાયણ ભગવાન હશે, તો એના પગનાં તળિયે સોળ ચિહ્ન જોવા મળશે, તો સાચું મનાય." 

બન્ને ચાલતા થોડેદિવલે ગઢડે પોગ્યા ને સવારમાં દાદાખાચરના દરબારગઢમાં આવ્યા. એ સમે લીંબતરૂ નીચે સભામાં ઢોલીયે બેસતા થકા શ્રીજીમહારાજ પૂર્વ જનમની વાતો કરતા હતા. આ બેઉ ભાઇબંધની જોડી ને જોતાં જ પ્રભું બોલ્યા, "લ્યો ! આ મોડાસાના લાખોજી ઠાકોર આવ્યા." 
બન્ને બેઠા. લાખોજીના મનમાં થયું, 'માળું મેં કોઇ દિ' સ્વામિનારાયણને જોયા નથી, તેને મળ્યો નથી, તોય એણે મારૂં નામ દઇ બોલાવ્યો.' એ વાતમાં તે વિચારે ચડયા. ત્યાં મહારાજ પાટ ઉપર પડખાવગા થયા અને બેય પગ લાંબા કરી ચરણ દેખાડયા. લાખાજીની આંખો તો ચરણ જોતા જ પહોળી થઇ ગઇ. તેમાં હીરાકણી જેવા ઝગારા મારતાં સોળે ચિહ્નો જોતાં લાખાજીનાં મનનો ભ્રમ ભાંગી ગયો. તૂરત તેણે વર્તમાન ધરી કંઠી પે'રી અને ભક્તિમાં ગળાડૂબ થયા. 

એમણેય ધનાભગત હારે પંદરેક વરસ ગઢડામાં પૂનમ ભરી ને અંતે તેને મહારાજ ધામમાં તેડી ગયા. 
આજેય મોડાસામાં બેય ભક્તોનું સવારમાં ઊઠતાં જ લોકો નામ લઇ આંખ્ય બંધ કરી સ્મરણ કરતાં કહે છે, 'હે ભગવાન ! આ માનવ દેહ મળ્યો છે, તો ધના ભગત અને લાખાજીના જેવી સમજણ દેજે.'

- ‘સત્સંગ સાગર ના મોતી’ લેખમાળામાંથી….
🙇🏻‍♂️🙏

મંગળવાર, 11 જુલાઈ, 2023

ધન્ય છે ગામ લીંબડીના ચંપાબાઈ ની ભજન ભક્તિને!!!

       *આજનું ચરિત્ર*
    ધન્ય છે ગામ લીંબડીના ચંપાબાઈ ની ભજન ભક્તિને!!!.....
જય સ્વામિનારાયણ...

         ઝાલાવાડના ગામ લીંબડીમાં વણિકના ઘર ઝાઝા, તેમાં મુખ્ય વણિક વરવો શેઠ ગણાતા. તેના બહેન ચંપાબાઈને ધોળકે પરણાવેલા. લીંબડીમાં તેના પાડોશે રહેતા સ્ત્રીભકત ગંગાબાઈ બ્રાહ્મણ વિધવા થયા પછી અખંડ સ્વામિનારાયણના ભજન-ભક્તિમાં જોડાઈને સંસારની મોહમાયાથી પર રહેતા. જે કોઈ તેના જોગમાં આવે તેને પણ કથા-વાર્તા-સત્સંગ કરાવતાં.

ચંપાબાઈ નાનપણથી લીંબડીમાં ગંગાબાઈના જોગમાં આવી શ્રીજી મહારાજના સત્સંગી થયેલા. ધોળકામાં તેના સાસરીયા કુટુંબથી છાનાછાના પંચવર્તમાન પાળતા. ત્યાં થોડા જ સમયમાં તેના પતિનું મરણ થયું. તે સાંખ્યયોગીના વર્તમાન પાળવા લાગ્યા અને લીંબડી ગામે રહેવા લાગ્યા. સાસરા પક્ષના કુટુંબમાં તેના બે દીયરે ચંપાબાઈના ભાગમાં આવતી મિલકત પચાવી પાડીને અબોલા લીધા. 
આમને આમ પાંચેક વરસ વીત્યા. તે વેવારમાં અતિશય મૂંઝવણ જોઈ બીજા હરિભક્તોએ ગઢપુર શ્રીજીમહારાજને આ વાત કરી, ત્યારે શ્રીજીમહારાજે એક રાત્રિએ ચંપાબાઈને દર્શન આપતા કહ્યું, “ચંપાબાઈ ! વેવારમાં નબળા પડયા છો. ભાઈના સથવારે ઘણી ખેંચ વેઠો છો ! છતાંય અમને કહેતા નથી ને અમારામાં જોડાઈ રહ્યા છો ! ધન્ય છે તમારી ધીરજને.., અમે તમારી સહાયે આવ્યા છીએ. કાલે સવારે તમે બેય દેરને બોલાવજો એટલે તકરારનો અંત આવી જાશે ને તમારો ધન-સંપત્તિનો હિસ્સો તમને મળી જશે.'' ચંપાબાઈ તો પથારીથી બેઠા થઈ ગયા. શ્રીજીમહારાજને પ્રણામ કરીને મનોમન વિચારના વાયરામાં અટવાયા. ‘અરેરે મહારાજ ! હું તેને મોઢુંય નહીં દેખાડું. મેં તમારા વર્તમાન ધરાવી સાંખ્યયોગ નિયમ-ધરમ પાળવાનું વ્રત લીધું છે. તેનો ભંગ શે થાય ?" 
આમને આમ સવારના આછા-આછા અજવાળા ધરતી પર પથરાયા. નિત્ય ક્રમથી પરવારી એ જ વિચારમાં ગૂંથાયા'તા ત્યાં વરવા શેઠભાઈ આવી બોલ્યા, "ચંપાબહેન ! આમ મોઢું શીદ મૂંઝાયેલું દેખાય છે ? શું કાંઈ કોઈના સમાચાર આવ્યા છે કે ?'' ચંપાબેન કહે ‘ના ! ભાઈ, પણ આજે રાત્રે મહારાજે દિવ્યરૂપે આવી મને કહ્યું, તમારા બેય દેરને બોલાવજે. તે તારા ભાગની મિલકત તને આપશે, પણ હું તેને કેમ બોલાવું ? મારે તો સાંખ્યયોગ ધર્મ છે." 
વરવા શેઠ કહે “એમાં શી મૂંઝવણ કરે છે ? હું જઈશ, તું ચિંતા છોડ, અમથુંય મને ઘણા સમયથી થતું હતું કે તેને જઈને મનાવું. મારા બહેન માટે શું આટલું ન કરી શકું ? કેટલાયના વાંધા ભાંગવા જાવ છું ને આ ઘરનો કજિયો ન પતે ?." એમ બોલતા વરવા શેઠ ઊભા પગે જ ઓસરીની કોર ચડયા વિના હાલતા થયા. અને આવ્યા ધોળકે. હજુ તો સૂરજના અજવાળા પથરાયા હતા, ત્યાં વરવા શેઠ દલા શેઠની ખડકીના બારણાં ખોલી ફળિયે ઊભા. 
વરવા શેઠને જોતા જ દલા શેઠ હરખાઈને ખાટયેથી ઊભા થઈ બોલ્યા, 'ઓહોહો...! આજ તો શું તમે અમારે આંગણે પધાર્યા ! ધન્ય દિ' ઊગ્યો. આવો... આવો શેઠ !" 
જરા ક્રોધિત અકળાતા વરવા શેઠ બોલ્યા, "હા... દલા શેઠ. આવવાનું કારણ તો તમે જાણતા હશો, છતાંય કહું તો પાંચ વરસ વીત્યા છતાં અમારા બહેનનો મઝયારો તમે બેય ભાયું દબાવી બેઠા છો. તે એનો આજ તો ફેંસલો કરવા આવ્યો છું. રાજકચેરીમાં ફરિયાદ કરતા તમે ભૂંડા લાગો એવું મારે કરવું ન હતું. પણ છૂટકો લાગતો નથી. આપણે વાણિયા મલકમાં ડાહી જાત કહેવાઈએ, આપણો ફજેતો થાય ઈ સારું નહીં, એમ સમજી આવ્યો છું. તો હવે તમે નિર્ણય કરી જે કહેવું હોય તે કહો એટલે છેડાછૂટકો થાય." ફળિયામાં ઊભા ઊભા જ વરવા શેઠે વાતની ચોખવટ કરી. 
દલા શેઠ કહે ‘અરે ! પણ શેઠ ! એમ આકરા ન થાવ. ગમે તેમ તોએ સગાં છો. અમે અમારી ભૂલ કબૂલીએ છીએ. નિરાંતે બેસો, ચા-પાણી પીને આજે જ હું પણ એ વિષે તમને મળવા આવવાનો હતો. ખરું કહું છું. સવારમાં જ મેં પાકો નિર્ણય કર્યો છે. દુકાનેય ગયો નથી. તમારા બહેનના ભાગનો હિસ્સો પાઈએ પાઈ હું આપવાનો છું, કારણ કે બે દિવસ પહેલા મને તેની ભક્તિથી પરચો મળી ગયો ! તેની તમને વાત કરું તે સાંભળો. પછી આપણે બંને સાથે જ જઈએ." 
એમ કહી દલાશેઠે વરવા શેઠને માન સહિત ખાટયે બેસાડી વાત કરવા માંડી, ‘બે'દિ પહેલા હું પથારીમાં સૂતો હતો, ત્યાં અડધી રાત્ય વીતતા મારો ઓરડો પ્રકાશથી ઘેરાઈ ગયો. મારી આંખોય ઉઘડે નહીં. એ વખતે કરડાઈથી દસ-બાર ભૂતાવળ જેવા જમદૂતો મારા પલંગને ઘેરી ઊભા. એક દૂતે કરડાઈથી કહ્યું, 'એય વાણિયા, તારા ભાઈની વહુનો ભાગ-મિલકત-ધન દબાવી બેઠો છે. તે આપવા જતો નથી, પણ બે-ત્રણ દિ'માં જો તું એ નહીં આપે તો તારી ખેર નથી. તેમ કહી મને પડખામાં એવો ઢીંકો માર્યો તે મારા મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈ. હું બહુ પીડાયો. મેં બે હાથ જોડી કહ્યું, બાપલા તમે કહો તે કબૂલ છે, બે દિ'માં એનો હિસ્સો આપી આવીશ. 
ત્યારે એ જમ બોલ્યા, જો આ પ્રકાશમાં સામે ભગવાન સ્વામિનારાયણ ઊભા છે. તેની સાક્ષીએ સાચું બોલજે, નહિ તો અમે પાછા આવી તારા ભૂંડા હાલ-હવાલ કરશું. એટલે તો આજે બે દિૂવસથી મેં દુકાન પણ ખોલી નથી. હજુય ઇ દુખાવો મટયો નથી, એટલે મેં નિર્ણય કર્યો હતો કે આજે તેનો થતો ભાગ જઈને દઈ મારા ભાભીની માફી માગી લઉં. તમે આવ્યા તે સારું કર્યું." 
‘એ ફેંસલો થયા થશે નહીં ત્યાં સુધી તો હું તમારા ગોળાનું પાણી પણ નહીં લઉં.'' એમ કહી વરવા શેઠ ઊભા થયા અને દલા શેઠ પણ પાછળ ચાલતા થયા. 
ચંપાબાઈને ઘેર આવતા દલા શેઠે પાઈએ પાઈનો હિસાબ આપ્યો અને કહ્યું, "લ્યો ભાભી ! મને માફ કરજો. મારી ભૂલ હતી. હવે મનમાં દુઃખ ન રાખતા'' એમ કહી દલા શેઠ ઘેર પાછા આવ્યા. 
ત્યાં નાનો ભાઈ ભગો તેની ખબર કાઢવા ઘેર આવીને બેઠેલો તેને મળ્યા. એટલે નાના ભાઈએ પૂછયું, 
‘આ ત્રણ દિવસથી દુકાન બંધ જોઈ પડખેના પાડોશીને પૂછયું તો તમારી તબિયત બરાબર નથી. કાં ભાઈ ! એમ એકાએક તબિયત કેમ બગડી ? શું થયું છે ?'' 
દલા શેઠે ભગાને બધી વિગતે વાત કરી,’ 
‘ભાઈ ! તમે સાચું કહો છો. તમને તારી ભાભી પર જરાએ દયા નથી આવતી ?'' 
ભગાશેઠે પણ પોતાને થયેલ પરચાની વાત ઘેર આવી કરી. ભાભીનો દબાવેલો હિસ્સો પાછો સોંપવા લીંબડી એ જ વખતે ગયા અને તેનો ભાગ પાછો આપી માફી માગી ત્યારે શાંતિ વળી. 
ચંપાબાઈ મહારાજની શ્રદ્ધા-નિષ્ઠામાં વધારો થયો. એ જ વખતે મહારાજને ચરણે આપવાનો નિર્ણય કર્યો . એમ કહી બીજે દિવસે ચંપાબાઈ ગઢડા આવ્યા ને મિલકત મળેલ તે મહારાજને અર્પણ કરી ત્યારે મહારાજે કહ્યું, ચંપાબાઈ ! અમે તમને થોડા માસમાં તમારી પાસેના દાણા ખૂટતાં પહેલા તેડી જાશું.' 

થોડા દિવસ વીત્યા ત્યારે ચંપાબાઈએ તેના ભાઈને તેડાવ્યા ને કહ્યું, 'કાલે સવારમાં મને મહારાજ તેડવા આવશે. આપણી લેણદેણ પૂરી થઈ ગઈ.'
સવારના સૂરજના કિરણ પૃથ્વી પર પથરાતા ગામ સૌએ તેજનો અઢળક ફૂવારો જોયો ને દિવ્ય સ્વરૂપમાં શ્રીજીમહારાજને જોયા. ચંપાબાઈ મહારાજનું સ્મરણ કરી, પૃથ્વી પર પદ્માસન વાળી બેઠાં ને મહારાજના ધામમાં ગયા. ગામે પ્રત્યક્ષ એ પ્રમાણ જોઈ વરવા શેઠ અને ગામના ઘણા લોકો સ્વામિનારાયણના આશ્રિત થયા

- નારીરત્નોમાંથી… 
🙇🏻‍♂️🙏

રવિવાર, 9 જુલાઈ, 2023

લાડુ બા અને જીવું બા નું સમર્પણ


        
        પછી ....લાડુંબાં - જીવુંબાં ઓંસરીમાં ઉંબરે ઉભા થકા બોલ્યા જે “મહારાજ ને કહેજો જે, તમે મળ્યા તો હવે ગોદડીની શી વિસાત છે"....
જય સ્વામિનારાયણ....

       એકસમયે શીયાળાના સમયે શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા. રાત્રીના સમયે શ્રીહરિ અક્ષરઓરડી માં પોઢયા હતા ને ઠંડીનો ચમકારો હોવાથી મુળજી બ્રહ્મચારીજીએ શ્રીહરિના ઢોલીયા પાસે સગડી મુકી હતી. નાજા જોગીયા અને મુળજી બ્રહ્મચારી ને નિંદર આવી ગઇ હતી. એ વખતે ગોદડીનો છેડો સગડીમાં પડતા ગોદડી સળગી, ને ગોદડાનું કપડું સળગતાં એના ધૂવાડાની ગંધ આવતા શ્રીહરિ જાગ્યા ને મુળજી બ્રહ્મચારી અને નાજા જોગીયાને જગાડયા. તુંરતજ મુળજી બ્રહ્મચારીજી એ સગડી આઘી મેલી. શ્રીહરિ નાજા જોગીયા અને મુળજી બ્રહ્મચારીજીને કહે કે “ કિમતી ગોદડી સળગી ગઇ તો મોટીબાં વગેરેને બહેનોને હવે શું જવાબ દેશું, ચાલો આપણે જાતાં રહીએ..! “ ત્યારે નાજા જોગીયા કહે કે “મહારાજ એ ખરું, પણ આપણે લાડુંબાં-જીવુંબાં વગેરે બહેનોને ખબર કરીએ..!” એમ કહીને નાજા જોગીયા તુંરત જ અક્ષરઓરડીએથી ઉતાવળે પગે દરબારગઢમાં આવ્યા ને ફળીયામાં ઉભા થકા મોટીબાં ને બોલ્યા જે “બાં, મહારાજને ઓઢવાની કિમતીં ગોદડી નો છેડો સગડીમાં પડતા સળગી ગઇ તે મહારાજ કહે છે કે હવે આપણે બહેનોને શું જવાબ દેશું તો આપણે આહીંથી જતા રહીએ..!” એ સુણીને લાડુંબાં - જીવુંબાં ઓંસરીમાં ઉંબરે ઉભા થકા બોલ્યા જે “મહારાજ ને કહેજો જે, તમે મળ્યા તો હવે ગોદડીની શી વિસાત છે, એવી ગોદડીયું તેં અમ બેઉ બહેનોને એક એક ને સો-સો કરતાં વધારે છે, એની તો અમારે મન કશીય કિંમત થાનથી, તમથી અધિક અમારે મન કશુંય નથી, તો ગોદડીની કિમત વળી શું કરીએ…!. આમ, નાજા જોગીયા પરત અક્ષરઓરડીએ આવ્યા ને મહારાજને બહેનોએ કહેલી વાત કહી સંભળાવી. 

શ્રીહરિ બહેનોના સર્વસ્વ સમર્પણની વાત જાણીને બોલ્યા જે “જુઓને આપણે એમને દર્શનની બંધી કરેલી છે, ને એમની કીમતી ગોદડી સળગી ગઇ તો પણ તેઓ કશોય અભાવ લેતા નથી. માટે જઇને કહો કે ભલે સહું બહેનો દર્શને આવે, આ કમાડની તડેથી ભલે ઉભા ઉભા દર્શન કરે..!”

એમ મહારાજની વાત સુણીને નાજા જોગીયા તુંરત જ ફરીને ગયા અને સર્વ બહેનોને દર્શન કરવા તેડી લાવ્યા. લાડુંબાં-જીવુંબાં આદિક બહેનો તો તુરંત વાઝોવાઝ શ્રીહરિના દર્શનની છૂટ્ય મળતા દોડતા આવ્યા ને અક્ષરઓરડીના કમાડની તડે દર્શન કરવા ઉભા રહ્યા. શ્રીહરિ ઢોલીયે તકીયાને ઓઠીંગણ દઇને બેંઠા થયા અને સળગી ગયેલી ગોદડી અધ્ધર કરીને દેખાડી. તે જોઇને લાડુંબાં-જીવુંબાં બોલ્યા જે “ભલે મહારાજ, ગોદડી બળી ગઇ તો શું થયું..!” ત્યારે મહારાજ બોલ્યા જે “નાજા જોગીયા, આપણે એના ગોદડાં બાળી દઇએ છીએ તો તેઓ ને મનમાં કશોય અભાવ અણગમો નથી, માટે દર્શન સારું બારણું ઉઘાડો, ભલે સૌ દર્શન કરે..!” પછી અક્ષરઓરડીનું બારણું ઉઘાડયું એટલે સૌ બાઇઓએ ભાવથી દર્શન થયા ને પોતપોતાના ઉતારે ગયા. લાડુંબાં-જીવુંબાં એ નવી ગોદડીયું લાવીને શ્રીજીમહારાજને ઓઢવા સારું ભેંટ ધરી. 

- સદગુરું બ્રહ્મચારીશ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…
🙇🏻‍♂️🙏

મંગળવાર, 11 એપ્રિલ, 2023

અધૂરી હજામતે અદૃશ્ય

સંસ્કૃતિ અને રિવાજ પ્રમાણે બાળ ઘનશ્યામને ત્રીજું વર્ષ બેઠું એટલે પિતા ધર્મદેવે જેઠ વદ પાંચમના શુભ દિને સારું મુહૂર્ત જોઈ ઘનશ્યામના બાળ મોવાળા ઉતરાવવા ઝમઈ વાણંદને પોતાને ત્યાં બોલાવ્યો. બાળ પ્રભુ ના બાળ મોવળા ઉતારવા કહ્યું એથી વાણંદ પોતાની પેટી લઈને હરખથી ધર્મદેવને ઘેર આવ્યો. રાહ જોઈ રહેલાં ભક્તિમાતા ઘનશ્યામને ખોળામાં લઈ વાણંદ સામે બેઠા.

ઝમઈએ પ્રથમ કાતરથી ઘનશ્યામજીના લાંબા વાળ કાપી નાખ્યા. પછી ગરમ પાણીથી મસ્તક પલાળ્યું ને અસ્તરો હાથમાં લઈ એણે જ્યાં એક લસરકો માર્યો ત્યાંતો ઝમઈને ઘનશ્યમાજી દેખાતાં જ બંધ થઈ ગયા ને હાથમાં અસ્તરા સાથે એ તો પૂતળાની જેમ સ્થિર થઈ ગયો. આથી માતા બોલ્યાં, ‘એલા, આમ સ્થિર કેમ થઈ ગયો ? મંડને વતું કરવા ! વાટ કોની જુએ છે ?’

આ સાંભળી આંભો બનેલો ઝમઈ બોલ્યો, ‘મા, હું હજામત કોની કરું ? મને ઘનશ્યામ બાબુ દેખાતા નથી ! તમારા ખોળામાંથી ક્યાં જતા રહ્યા ?’

રવિવાર, 2 એપ્રિલ, 2023

માતાને મોંમાં વિશ્વ દેખાડ્યું

માતાને મોંમાં વિશ્વ દેખાડ્યું

એક દિવસ માતા બાળ ઘનશ્યામને સ્તનપાન કરાવીને રમાડતાં હતાં. બાલ ઘનશ્યામ માતા ખોળા માં આનંદ થી રમતા રમતા બાલ ઘનશ્યામ માતા સામે બાળસુલભ હાસ્યના ઘુઘવાટા કરીને કિલકિલાટ કરી રહ્યા હતા. હાસ્યથી ફાટફાટ થતું પ્યારા પુત્રનું મુખ માતા ચૂમી રહ્યાં હતાં. એવામાં બાળ ઘનશ્યામે પોતાનું નાનું મુખ વધારે પહોળું કર્યું. માતા એની સામે તાકીને જુએ છે ત્યાં તો અચંબો પામી ગયા! નાનકડા મોંમાં માતાને પૃથ્વી, પર્વત, નદીઓ, જંગલો, પશુઓ, સમુદ્ર ને ઉપર તારામંડળથી ઊભરાતું આકાશ વગેરે દેખાવા લાગ્યું ! ચલચિત્રની જેમ સૂર્ય, ચંદ્ર ને ગ્રહો પણ દેખાયા ! એટલું જ નહિ પણ દેવતાઓ, દૈત્યો, ઋષિમુનિઓ તેમજ સમગ્ર માનવ સૃષ્ટિય દેખાણી ! વળી ભગવાન ના બધાજ ધામ ના દર્શન થયા વળી પોતે પોતાને પણ એમાં જોયાં આથી તો માતા ખરેખર દંગ બની ગયા ! એમને ન સમજાયું કે ઘનશ્યામના નાના મુખમાં આ બધું કેમ સમાયું હશે ! આવી અનેક લીલા ચરિત્ર કરી પ્રભુ માતા અને બધાજ ને પોતાનો ભગવાન પણા નો નિષય કરાવતા.

બાળ કનૈયાએ યશોદાજીને પોતાના મુખમા દેખાડેલ વિશ્વરૂપનો પ્રસંગ સાંભરી આવ્યો ને પોતે મનમાં ભારે ધન્યતા અનુભવી.

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...