*આજનું ચરિત્ર*
ધન્ય છે ગામ લીંબડીના ચંપાબાઈ ની ભજન ભક્તિને!!!.....
જય સ્વામિનારાયણ...
ઝાલાવાડના ગામ લીંબડીમાં વણિકના ઘર ઝાઝા, તેમાં મુખ્ય વણિક વરવો શેઠ ગણાતા. તેના બહેન ચંપાબાઈને ધોળકે પરણાવેલા. લીંબડીમાં તેના પાડોશે રહેતા સ્ત્રીભકત ગંગાબાઈ બ્રાહ્મણ વિધવા થયા પછી અખંડ સ્વામિનારાયણના ભજન-ભક્તિમાં જોડાઈને સંસારની મોહમાયાથી પર રહેતા. જે કોઈ તેના જોગમાં આવે તેને પણ કથા-વાર્તા-સત્સંગ કરાવતાં.
ચંપાબાઈ નાનપણથી લીંબડીમાં ગંગાબાઈના જોગમાં આવી શ્રીજી મહારાજના સત્સંગી થયેલા. ધોળકામાં તેના સાસરીયા કુટુંબથી છાનાછાના પંચવર્તમાન પાળતા. ત્યાં થોડા જ સમયમાં તેના પતિનું મરણ થયું. તે સાંખ્યયોગીના વર્તમાન પાળવા લાગ્યા અને લીંબડી ગામે રહેવા લાગ્યા. સાસરા પક્ષના કુટુંબમાં તેના બે દીયરે ચંપાબાઈના ભાગમાં આવતી મિલકત પચાવી પાડીને અબોલા લીધા.
આમને આમ પાંચેક વરસ વીત્યા. તે વેવારમાં અતિશય મૂંઝવણ જોઈ બીજા હરિભક્તોએ ગઢપુર શ્રીજીમહારાજને આ વાત કરી, ત્યારે શ્રીજીમહારાજે એક રાત્રિએ ચંપાબાઈને દર્શન આપતા કહ્યું, “ચંપાબાઈ ! વેવારમાં નબળા પડયા છો. ભાઈના સથવારે ઘણી ખેંચ વેઠો છો ! છતાંય અમને કહેતા નથી ને અમારામાં જોડાઈ રહ્યા છો ! ધન્ય છે તમારી ધીરજને.., અમે તમારી સહાયે આવ્યા છીએ. કાલે સવારે તમે બેય દેરને બોલાવજો એટલે તકરારનો અંત આવી જાશે ને તમારો ધન-સંપત્તિનો હિસ્સો તમને મળી જશે.'' ચંપાબાઈ તો પથારીથી બેઠા થઈ ગયા. શ્રીજીમહારાજને પ્રણામ કરીને મનોમન વિચારના વાયરામાં અટવાયા. ‘અરેરે મહારાજ ! હું તેને મોઢુંય નહીં દેખાડું. મેં તમારા વર્તમાન ધરાવી સાંખ્યયોગ નિયમ-ધરમ પાળવાનું વ્રત લીધું છે. તેનો ભંગ શે થાય ?"
આમને આમ સવારના આછા-આછા અજવાળા ધરતી પર પથરાયા. નિત્ય ક્રમથી પરવારી એ જ વિચારમાં ગૂંથાયા'તા ત્યાં વરવા શેઠભાઈ આવી બોલ્યા, "ચંપાબહેન ! આમ મોઢું શીદ મૂંઝાયેલું દેખાય છે ? શું કાંઈ કોઈના સમાચાર આવ્યા છે કે ?'' ચંપાબેન કહે ‘ના ! ભાઈ, પણ આજે રાત્રે મહારાજે દિવ્યરૂપે આવી મને કહ્યું, તમારા બેય દેરને બોલાવજે. તે તારા ભાગની મિલકત તને આપશે, પણ હું તેને કેમ બોલાવું ? મારે તો સાંખ્યયોગ ધર્મ છે."
વરવા શેઠ કહે “એમાં શી મૂંઝવણ કરે છે ? હું જઈશ, તું ચિંતા છોડ, અમથુંય મને ઘણા સમયથી થતું હતું કે તેને જઈને મનાવું. મારા બહેન માટે શું આટલું ન કરી શકું ? કેટલાયના વાંધા ભાંગવા જાવ છું ને આ ઘરનો કજિયો ન પતે ?." એમ બોલતા વરવા શેઠ ઊભા પગે જ ઓસરીની કોર ચડયા વિના હાલતા થયા. અને આવ્યા ધોળકે. હજુ તો સૂરજના અજવાળા પથરાયા હતા, ત્યાં વરવા શેઠ દલા શેઠની ખડકીના બારણાં ખોલી ફળિયે ઊભા.
વરવા શેઠને જોતા જ દલા શેઠ હરખાઈને ખાટયેથી ઊભા થઈ બોલ્યા, 'ઓહોહો...! આજ તો શું તમે અમારે આંગણે પધાર્યા ! ધન્ય દિ' ઊગ્યો. આવો... આવો શેઠ !"
જરા ક્રોધિત અકળાતા વરવા શેઠ બોલ્યા, "હા... દલા શેઠ. આવવાનું કારણ તો તમે જાણતા હશો, છતાંય કહું તો પાંચ વરસ વીત્યા છતાં અમારા બહેનનો મઝયારો તમે બેય ભાયું દબાવી બેઠા છો. તે એનો આજ તો ફેંસલો કરવા આવ્યો છું. રાજકચેરીમાં ફરિયાદ કરતા તમે ભૂંડા લાગો એવું મારે કરવું ન હતું. પણ છૂટકો લાગતો નથી. આપણે વાણિયા મલકમાં ડાહી જાત કહેવાઈએ, આપણો ફજેતો થાય ઈ સારું નહીં, એમ સમજી આવ્યો છું. તો હવે તમે નિર્ણય કરી જે કહેવું હોય તે કહો એટલે છેડાછૂટકો થાય." ફળિયામાં ઊભા ઊભા જ વરવા શેઠે વાતની ચોખવટ કરી.
દલા શેઠ કહે ‘અરે ! પણ શેઠ ! એમ આકરા ન થાવ. ગમે તેમ તોએ સગાં છો. અમે અમારી ભૂલ કબૂલીએ છીએ. નિરાંતે બેસો, ચા-પાણી પીને આજે જ હું પણ એ વિષે તમને મળવા આવવાનો હતો. ખરું કહું છું. સવારમાં જ મેં પાકો નિર્ણય કર્યો છે. દુકાનેય ગયો નથી. તમારા બહેનના ભાગનો હિસ્સો પાઈએ પાઈ હું આપવાનો છું, કારણ કે બે દિવસ પહેલા મને તેની ભક્તિથી પરચો મળી ગયો ! તેની તમને વાત કરું તે સાંભળો. પછી આપણે બંને સાથે જ જઈએ."
એમ કહી દલાશેઠે વરવા શેઠને માન સહિત ખાટયે બેસાડી વાત કરવા માંડી, ‘બે'દિ પહેલા હું પથારીમાં સૂતો હતો, ત્યાં અડધી રાત્ય વીતતા મારો ઓરડો પ્રકાશથી ઘેરાઈ ગયો. મારી આંખોય ઉઘડે નહીં. એ વખતે કરડાઈથી દસ-બાર ભૂતાવળ જેવા જમદૂતો મારા પલંગને ઘેરી ઊભા. એક દૂતે કરડાઈથી કહ્યું, 'એય વાણિયા, તારા ભાઈની વહુનો ભાગ-મિલકત-ધન દબાવી બેઠો છે. તે આપવા જતો નથી, પણ બે-ત્રણ દિ'માં જો તું એ નહીં આપે તો તારી ખેર નથી. તેમ કહી મને પડખામાં એવો ઢીંકો માર્યો તે મારા મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈ. હું બહુ પીડાયો. મેં બે હાથ જોડી કહ્યું, બાપલા તમે કહો તે કબૂલ છે, બે દિ'માં એનો હિસ્સો આપી આવીશ.
ત્યારે એ જમ બોલ્યા, જો આ પ્રકાશમાં સામે ભગવાન સ્વામિનારાયણ ઊભા છે. તેની સાક્ષીએ સાચું બોલજે, નહિ તો અમે પાછા આવી તારા ભૂંડા હાલ-હવાલ કરશું. એટલે તો આજે બે દિૂવસથી મેં દુકાન પણ ખોલી નથી. હજુય ઇ દુખાવો મટયો નથી, એટલે મેં નિર્ણય કર્યો હતો કે આજે તેનો થતો ભાગ જઈને દઈ મારા ભાભીની માફી માગી લઉં. તમે આવ્યા તે સારું કર્યું."
‘એ ફેંસલો થયા થશે નહીં ત્યાં સુધી તો હું તમારા ગોળાનું પાણી પણ નહીં લઉં.'' એમ કહી વરવા શેઠ ઊભા થયા અને દલા શેઠ પણ પાછળ ચાલતા થયા.
ચંપાબાઈને ઘેર આવતા દલા શેઠે પાઈએ પાઈનો હિસાબ આપ્યો અને કહ્યું, "લ્યો ભાભી ! મને માફ કરજો. મારી ભૂલ હતી. હવે મનમાં દુઃખ ન રાખતા'' એમ કહી દલા શેઠ ઘેર પાછા આવ્યા.
ત્યાં નાનો ભાઈ ભગો તેની ખબર કાઢવા ઘેર આવીને બેઠેલો તેને મળ્યા. એટલે નાના ભાઈએ પૂછયું,
‘આ ત્રણ દિવસથી દુકાન બંધ જોઈ પડખેના પાડોશીને પૂછયું તો તમારી તબિયત બરાબર નથી. કાં ભાઈ ! એમ એકાએક તબિયત કેમ બગડી ? શું થયું છે ?''
દલા શેઠે ભગાને બધી વિગતે વાત કરી,’
‘ભાઈ ! તમે સાચું કહો છો. તમને તારી ભાભી પર જરાએ દયા નથી આવતી ?''
ભગાશેઠે પણ પોતાને થયેલ પરચાની વાત ઘેર આવી કરી. ભાભીનો દબાવેલો હિસ્સો પાછો સોંપવા લીંબડી એ જ વખતે ગયા અને તેનો ભાગ પાછો આપી માફી માગી ત્યારે શાંતિ વળી.
ચંપાબાઈ મહારાજની શ્રદ્ધા-નિષ્ઠામાં વધારો થયો. એ જ વખતે મહારાજને ચરણે આપવાનો નિર્ણય કર્યો . એમ કહી બીજે દિવસે ચંપાબાઈ ગઢડા આવ્યા ને મિલકત મળેલ તે મહારાજને અર્પણ કરી ત્યારે મહારાજે કહ્યું, ચંપાબાઈ ! અમે તમને થોડા માસમાં તમારી પાસેના દાણા ખૂટતાં પહેલા તેડી જાશું.'
થોડા દિવસ વીત્યા ત્યારે ચંપાબાઈએ તેના ભાઈને તેડાવ્યા ને કહ્યું, 'કાલે સવારમાં મને મહારાજ તેડવા આવશે. આપણી લેણદેણ પૂરી થઈ ગઈ.'
સવારના સૂરજના કિરણ પૃથ્વી પર પથરાતા ગામ સૌએ તેજનો અઢળક ફૂવારો જોયો ને દિવ્ય સ્વરૂપમાં શ્રીજીમહારાજને જોયા. ચંપાબાઈ મહારાજનું સ્મરણ કરી, પૃથ્વી પર પદ્માસન વાળી બેઠાં ને મહારાજના ધામમાં ગયા. ગામે પ્રત્યક્ષ એ પ્રમાણ જોઈ વરવા શેઠ અને ગામના ઘણા લોકો સ્વામિનારાયણના આશ્રિત થયા
- નારીરત્નોમાંથી…
🙇🏻♂️🙏