ઘનશ્યામ નામ માતા એ રાખેલ પણ પિતા જી મોટા જ્યોતિષી પાસે જોવડાવી ને પાડવું એવું વિચાર તા હતા.એવામાં ઈશ્વર ઈચ્છાથી જ્યોતિષના જાણકાર માર્કંડેય મુનિ પોતે જ ધર્મદેવને ઘેર પધાર્યા. ધર્મદેવે હરખથી એમનો સત્કાર કર્યોે. પ્રેમથી પૂજન કર્યું ને પછી વિનમ્રતાથી કહ્યું, ‘આપે મારી ઉપર આજે અનહદ કૃપા કરીને મારું ઘર તો પાવન કર્યું પણ હવે દયા કરીને મારા પુત્રનું નામ જોઈ આપો.’ આમ કહી એમણે ઘનશ્યામની જન્મનોંધ મુનિ સામે મૂકીને પોતે પાસે બેઠા.
મુનિએ જન્મનોંધ જોઈ પોતાનું ટીપણું ખોલ્યું. નક્ષત્ર, ગ્રહ, રાશિ વગેરે જોઈને આંગળીના વેઢે ગણતરી કરી. થોડીવાર વિચારીને પછી બોલ્યા, ‘આનો જન્મ કર્ક રાશિમાં છે માટે હરિ એવું નામ પડે. વળી શરીરે શ્યામ છે ને ચૈત્ર માસમાં જન્મ છે એથી કૃષ્ણ એવું બીજું નામ પડશે. ઉપરાંત હરિ અને કૃષ્ણ આ બંને નામ ભેળાં કરીએ તો હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થાય.’
બાલસ્વરૂપ ઘનશ્યામનું ઝળહળતું ભાલ ને હસ્તરેખા જોઈને મુનિ કહેવા લાગ્યા, ધર્મદેવ, તમે ભારે ભાગ્યશાળી છો. તમારે ઘેર ખુદ પ્રભુ પધાર્યા છે. ભૂમંડળમાં એમની કીર્તિ પ્રસરશે એવી ગ્રહની બળવાન ગતિ ને શુભ યોગ છે. બાલ ઘનશ્યામના કલ્યાણકારી ગુણ વર્ણવતા મુનિને સમાધિ ચડી ગઈ. એમાં દિવ્ય દર્શન આપી પ્રભુએ કહ્યું, ‘મુનિરાજ, હવે પછી ગુજર્ર દેશમાં અમને મળજો. અહીં તમે અમારું નામ પાડો છો પણ ત્યાં અમે તમારું નામ પાડીશું.’
સમાધિ ઉતરી મુનિ તો આભા બની ગયા ! દાનદક્ષિણા લઈ પ્રભુને પગે લાગી પ્રયાગતીર્થ તરફ રવાના થયા. વર્ષો પછી આ મુનિ ઊંઝામાં શ્રીહરિને મળ્યા ને સાધુ થયા. તેમનું શુભ નામ મહારાજે મહાનુભાવાનંદ પાડ્યું હતું.