એક દિવસ બપોર સમય થયો અને સુંદરી મામીને રસોઈ કરવામાં થોડી વાર લાગી ભક્તિમાતા સવારે કાંઈ જમ્યા નહોતાં એથી એમને ભારે કકડીને ભૂખ લાગેલી ને જમવાની રાહ જોઈને બેઠાં હતાં. ઘનશ્યામે માતાની આ પીડા જાણી એટલે પોતે તુર્તત જ અષ્ટ સિદ્ધિઓને ભોજનના થાળ લાવવા આદેશ આપ્યો. પળવારમાં ગરમા ગરમ તૈયાર ભોજનના થાળ સાથે આકાશ માર્ગેથી ઉતરીને સિદ્ધિયું સેવામાં હાજર થઈ.
એમનાં રૂપ જુઓ તો તેજ તેજના અંબાર ! ભાતભાતના સુંદર મઝાનાં વસ્ત્રો પહેર્યાં છે ! હાથમાં ભોજનના સુવર્ણથાળ શોભી રહ્યા છે ! આટલી બધી અજાણી બાઈઓને પોતાને ત્યાં અચાનક આવેલી જોઈને માતા તો આશ્ચર્ય પામી ગયાં. શું બોલવું એ કાંઈ સૂઝયું નહિ એટલે એક સિદ્ધિએ આગળ આવીને વિનંતી કરીને કહ્યું, ‘માતાજી અમે આઠેય સિદ્ધિઓ થાળ લઈને આપને જમાડવા આવેલ છીએ માટે આપને જે રુચે એ આમાંથી જમો.’
આ સાંભળી માતા તો મૂંઝવણમાં મુકાઈ ગયાં. ‘આવું અજાણી બાઇઓએ આણેલું ભોજન આપણાથી કેમ જમાય ?’ ઘનશ્યામ માની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ‘દીદી, સિદ્ધિઓએ લાવેલું ભોજન જમાય.’ આમ કહી ભાતભાતનાં ભોજન ને સાત ભાતનાં શાકમાંથી પોતે થોડુંક થોડુંક જમ્યા પછી માતા પણ ભાવથી જમ્યાં.
સુંદરીમામી ઉતાવળે થાળ બનાવી પીરસેલ થાળ લઈને ત્યાં આવ્યાં.ત્યાતો જાત જાતના પકવાન આ બધું જોઈને એના પગ તો બારણમાં જ થંભી ગયા.
આથી ઘનશ્યામ બોલ્યા, ‘મામી, આ સિદ્ધિઓ થાળ લાવી છે અમે પ્રસાદ લીધો આપ થોડો પ્રસાદ લ્યો.’ મામીએ થોડો પ્રસાદ લીધો ત્યારબાદ પ્રભુને વંદન કરી સહુ સિદ્ધિઓ ચાલી ગઈ.